એવી વાત જાણીતી છે કે ક્રિકેટ એક ભારતીય રમત છે, જે અકસ્માતે અંગ્રેજોએ શોધી હતી.
ઇતિહાસની વક્રતા એ છે કે એક જમાનામાં સામ્રાજ્યવાદી શાસકોની આગવી ગણાતી ક્રિકેટની રમત સ્વતંત્ર ભારતમાં રાષ્ટ્રીય ભાવના જગાવનારી રમત બની ગઈ છે.
એ વાત પણ એટલી જ ધ્યાનાકર્ષક છે કે ભારત આજે ક્રિકેટજગતનો એકમાત્ર સુપરસ્ટાર દેશ છે.
આજના યુગના ભારતીયો આ દરજ્જાને માણી પણ રહ્યા છે, કેમ કે તેમના માટે ક્રિકેટ ટીમ એ રાષ્ટ્રનું પ્રતીક પણ બની ગઈ છે.
તેઓ 'ટીમ ઇન્ડિયા'ને ભારતની રાષ્ટ્રીય એકતાનું પણ પ્રતીક માને છે. દેશની ક્રિકેટ ટીમના ખેલાડીઓ ભારતનું વૈવિધ્ય પણ દર્શાવી આપે છે.
ક્રિકેટર રાહુલ દ્રવિડે 2011માં કહ્યું હતું, "આ છેલ્લા દાયકામાં અગાઉ કરતાં પણ વધારે રીતે ભારતીય ટીમ દેશના વૈવિધ્યનું પ્રતીક બની રહી છે."
"જુદી જુદી સંસ્કૃતિઓ, જુદી જુદી ભાષાઓ, જુદા જુદા ધર્મો, જુદા જુદા વર્ગોનો આ દેશ છે તે ક્રિકેટ બતાવી આપે છે."
જોકે, ક્રિકેટ અને રાષ્ટ્રીયતા વચ્ચે નાતો ઊભો કરવાની વાત સહજ પણ નહોતી કે અનિવાર્ય પણ નહોતી.
12 વર્ષની મહેનત અને ત્રણ વારના નિષ્ફળ પ્રયાસો પછી 1911ના વર્ષમાં આખરે પ્રથમવાર સંપૂર્ણપણે ભારતીય ટીમ બની શકી હતી.
લગાન જેવી હિંદી ફિલ્મોને કારણે બંધાયેલી ધારણાઓથી વિપરિત આ 'રાષ્ટ્રીય ટીમ' બ્રિટિશરોની સામે લડત માટે નહોતી, પણ બ્રિટિશરોએ પોતે જ બનાવેલી હતી.
જુદા જુદા ભારતીય વેપારીઓ, રાજવી પરિવારો અને પ્રચારકારોએ, બ્રિટિશ ગવર્નર્સ, અમલદારો, પત્રકારો, સૈનિકો અને વ્યવસાય કોચિંગનું કામ કરનારા બધાએ સાથે મળીને આખરે ક્રિકેટના મેદાન માટેની ભારતની ઝલક આપનારી ટીમ તૈયાર કરી હતી.
બ્રિટિશરો અને સ્થાનિક ભદ્ર વર્ગ વચ્ચે આ રીતે જોડાણ થયું અને ભારતીય ટીમ તૈયાર થઈ હતી.
2019ના વિશ્વ કપ માટે વિરાટ કોહલીની ટીમ ઇંગ્લૅન્ડ પહોંચી, તેનાં સો વર્ષ પહેલાં ઇમ્પિરિયલ બ્રિટન ખાતે રમવા માટે ભારતીય ટીમ ગઈ હતી.
ભારતીય ક્રિકેટ ટીમ ઊભી થઈ શકી તેની પાછળનો ઇતિહાસ બહુ મંદ ગતિએ ચાલનારો અને લાંબો છે. ભારતીય ટીમ માટેનો વિચાર સૌપ્રથમ 1898માં વ્યક્ત થયો હતો.
રણજી તરીકે જાણીતા બનેલા ભારતીય રાજવી કુમાર શ્રી રણજિતસિંહજીની બેટિંગથી અંગ્રેજો ભારે પ્રભાવિત થયા હતા અને તેના કારણે ભારતીય ટીમ માટેનો વિચાર થવા લાગ્યો હતો.
રણજી ક્રિકેટના હીરો બની ગયા હતા. તેને આધાર બનાવીને ભારતીય ટીમના પ્રમોટરોએ ધીમે ધીમે ટીમ ઊભી કરવાનું શરૂ કર્યું હતું.
ક્રિકેટના મેદાનમાં જમાવેલી પ્રતિષ્ઠાને કારણે નવાનગર (જામનગર)ની ગાદી મેળવી શકેલા રણજી માટે જોકે રાષ્ટ્રીયતાનો મુદ્દો વિચારણીય બન્યો હતો.
ભારતની અલગ ક્રિકેટ ટીમ બને અને તેની રાષ્ટ્રીયતાનો મુદ્દો ઊભો થાય તો પોતે ઇંગ્લૅન્ડની ટીમ વતી રમી શકે કે કેમ તે સવાલ ઊભો થવાનો હતો.
તે વખતના બોમ્બેના ગર્વનર રહી ચૂકેલા લોર્ડ હેરીસ સહિત ઘણા અંગ્રેજ શાસકો એવા પણ હતા, જેમના માટે ક્રિકેટના મેદાનમાં રણજીનો અદભૂત દેખાવ સ્વીકારવો મુશ્કેલ બની રહ્યો હતો.
તેમને એમ જ લાગતું હતું કે આ તો એમ જ થોડી સફળતા મળી ગઈ છે.
ચાર વર્ષ પછી એક જુદા પ્રકારની અનિવાર્યતા ઊભી થઈ હતી. ભારતમાં રહેલા યુરોપિયન અધિકારીઓ પોતાના દેશમાંથી ટીમ ભારત બોલાવવા માગતા હતા.
ભારતના ભદ્ર વર્ગના લોકો સાથે મળીને તેઓ ભારતીય ટીમ ઊભી કરવા માગતા હતા.
ક્રિકેટની રમત માટે સ્પર્ધાનું વધુ એક સ્થળ ભારત બની શકે છે એવું તેઓ દેખાડવા માગતા હતા.
જોકે, આ પ્રયત્નો સફળ રહ્યા નહી, કેમ કે હિંદુ, પારસી અને મુસ્લિમોમાં સૂચિત ટીમમાં પોતાનું પ્રતિનિધિત્વ કેવું રહેશે તે વિશે ભારે મતભેદો ઊભા થયા હતા.
વધુ એક પ્રયાસ 1906માં પણ કરવામાં આવ્યો, પણ અગાઉની જેમ તેમાં પણ નિષ્ફળતા મળી.
1907થી 1909 દરમિયાન ભારતીય યુવાનોમાં 'ક્રાંતિકારી' હિંસાની હવા ચાલી હતી અને બ્રિટિશ અધિકારીઓ અને તેમને સાથ આપનારા સ્થાનિક વગદારો પર હુમલા થવા લાગ્યા હતા.
તેના કારણે બ્રિટનમાં માગણી થવા લાગી હતી કે ભારતમાં સ્થાનિક લોકોની મુક્ત અવરજવર પર નિયંત્રણો મૂકવાં જોઈએ
આવી ઘટનાઓથી ભારતની નકારાત્મક છાપ ઊભી થઈ તેના કારણે અગ્રણી વેપારીઓ અને જાહેર જીવનના અગ્રણીઓ, તથા ભારતના જાણીતા રાજવીઓએ ફરી એકવાર ભારતીય ક્રિકેટ ટીમ ઊભી કરવા વિચારવા લાગ્યા.
ભારતીય ટીમ તૈયાર કરી તેને લંડન રમવા મોકલવાની યોજના પર નવેસરથી પ્રયાસો થવા લાગ્યા.
આ પ્રકારના ઐતિહાસિક સંદર્ભો સાથે 'સમગ્ર ભારત'ની પ્રથમ ક્રિકેટ ટીમ તૈયાર થઈ હતી.
બ્રિટનમાં જઈને ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે જેમને પસંદ કરવામાં આવ્યા ���ે ખેલાડીઓ પણ બધા જાણવા જેવા હતા.
ટીમના કેપ્ટન રીકે 19 વર્ષના પટિયાલાના યુવાન રાજવી ભુપિન્દર સિંહને પસંદ કરાયા હતા.
ભારતના સૌથી શક્તિશાળી શીખ રાજ્યની ગાદી હાલમાં જ મેળવનારા યુવા મહારાજ મોજશોખ માટે જાણીતા હતા.
બાકીની ટીમની પસંદગી ધાર્મિક ધોરણે કરવામાં આવી હતી: છ પારસી, પાંચ હિંદુ અને ત્રણ મુસ્લિમોને ટીમમાં લેવામાં આવ્યા હતા.
જોકે, પ્રથમ ભારતીય ટીમની સૌથી નોંધપાત્ર બાબત એ હતી કે તેમાં મુંબઈના બે દલિતોનો પણ સમાવેશ થયો હતો.
બાલુ અને શીવરામ નામના પાલવનકર બંધુઓ ઉચ્ચવર્ગના હિંદુઓના વિરોધ છતાંય પોતાના જમાનાના આગવા ક્રિકેટરો તરીકે આગળ આવી શક્યા હતા.
20 સદીના આરંભના એ જમાનામાં આ રીતે તૈયાર થયેલી ભારતની પ્રથમ ક્રિકેટ ટીમમાં પણ બ્રિટિશ સામ્રાજ્ય હેઠળના ભારતમાં કેવું સાંસ્કૃતિક અને રાજકીય વૈવિધ્ય હતું તે દેખાઈ આવ્યું હતું.
પારસીઓ પાછા પડી રહ્યા છે તેવી ભાવના જાગી રહી હતી, ત્યારે આ રીતે ક્રિકેટ ટીમમાં તેમને સ્થાન મળ્યું તેનું આગવું મહત્ત્વ હતું.
હિંદુઓ અને મુસ્લિમો વધારે સ્પર્ધાત્મક બનવા લાગ્યા હતા, તે પછી પારસીઓ પોતાની પીછેહઠ થઈ રહી છે તેની અકળામણ અનુભવવા લાગ્યા હતા.
એ જ રીતે ઉત્તર ભારતના મુસ્લિમો માટે પણ ક્રિકેટ એક નવો સંબંધ ઊભો કરવાનું કારણ બન્યું હતું.
ભારત પર બ્રિટિશરોના કબ્જા બાદ ઊભી થયેલી નવી રાજકીય પરિસ્થિતિમાં પોતાનો સંબંધ સ્થાપિત કરવાની તક તેમના માટે દેખાઈ રહી હતી.
એક નવી ભારતીય મુસ્લિમ ઓળખ ઊભી કરવા માટે સૌથી અગત્યની શૈક્ષણિક પહેલ કરવામાં આવી હતી, તેમાં ક્રિકેટ એક અગત્યનો હિસ્સો હતો.
પ્રથમ ભારતીય ટીમમાં સ્થાન પામેલા ચાર મુસ્લિમોમાંથી ત્રણ અલીગઢના હતા.
અલીગઢ જાણીતું બન્યું હતું ત્યાં સ્થપાયેલી સૌથી જાણીતી શૈક્ષણિક સંસ્થા મુહમ્મદન એંગલો-ઓરિએન્ટલ કૉલેજ માટે.
સામાજિક સુધારક સર સૈયદ અહમદ ખાને મુસ્લિમોમાં પશ્ચિમી ભણતરને આગળ વધારવા માટે આ સંસ્થાની સ્થાપના કરી હતી.
છેલ્લે ક્રિકેટના કારણે જ હિંદુ સમાજે જ્ઞાતિ વ્યવસ્થાની અસરો વિશે નવેસરથી વિચારવાની ફરજ પડી હતી.
આ મુદ્દે જાગેલી ચર્ચાના કેન્દ્રમાં હતો એક અદભૂત દલિત પરિવાર. આ દલિત પરિવારની ક્રિકેટના ક્ષેત્રમાં સફળતા અને સિદ્ધિઓને કારણે અસામનતા અને ભેદભાવની ઉપલા વર્ગના હિંદુઓની પદ્ધતિ સામે સવાલો ઊભા થયા હતા.
પાલવણકર બંધુઓ માટે ક્રિકેટના કારણે જ ભેદભાવ સામે ન્યાય અને ગૌરવની તેમની લડાઈ શક્ય બની હતી.
ખાસ કરીને બાલુ તેમના પછાત સમાજમાં સૌથી જાણીતો ચહેરો બની શક્યા હતા.
ભારતીય બંધારણના ધડવૈયા અને દલિત આઇકન બનેલા બી. આર. આંબેડકર માટે પણ બાલુ એક હીરો હતો.
બીજી બાજુ મહારાજ ભુપિન્દર સિંહ માટે આ રાજવી રમત ક્રિકેટ પોતાના રાજકીય હિતોને આગળ કરવા માટેનું એક મહત્ત્વનું માધ્યમ હતી.
શાસક તરીકેની તેમની સજ્જતા સામે સવાલો ઊભા થઈ રહ્યા હતા, તેને નિવારવા માટે તેઓ ભારતની પ્રથમ ક્રિકેટ ટીમના પ્રથમ કેપ્ટન તરીકે તેઓ પોતાની આગવી છાપ ઊભી કરવા માગતા હતા.
ભારતીય ક્રિકેટ તૈયાર કરવા માટે આર્થિક સહયોગ આપનારા અને આયોજન કરનારા સામ્રાજ્યના વફાદારો માટે ક્રિકેટ ભારતની હકારાત્મક છાપ ઊભી કરવા માટેનું માધ્યમ હતી.
તેઓ બ્રિટનમાં રહેલા સત્તાધીશોને એવી હૈયાધારણ આપવા માગતા હતા કે દેશ વફાદાર જ રહેશે અને બ્રિટિશ સામ્રાજ્યનો હિસ્સો બની રહેશે.
એ જ મુખ્ય ઉદ્દેશ હતો અને તેના માટે સંપૂર્ણ ભારતીય ક્રિકેટ ટીમ તૈયાર કરીને તેને ગ્રેટ બ્રિટન અને ઉત્તર આયર્લૅન્ડ રમવા માટે મોકલવામાં આવી હતી.
ટીમ મોકલવામાં આવી તે કોઈ યોગાનુયોગ નહોતો. તે જ વર્ષે જ્યોર્જ પંચમને લંડનમાં સત્તાવાર રીતે બ્રિટનના સમ્રાટ બનાવાયા હતા અને તે પછીના વર્ષે તેઓ દિલ્હી દરબાર માટે ભારતની મુલાકાતે પણ આવ્યા હતા.
ભારતમાં ક્રિકેટ આજે પ્રખર-રાષ્ટ્રવાદ માટેનું માધ્યમ બની ગયું છે અને એક પ્રકારની આ રમતને 'તોપમારા વિનાના યુદ્ધ' તરીકે જોવામાં આવે છે.
આવા સમયે કેવા સંજોગોમાં ક્રિકેટની ટીમ તૈયાર થઈ હતી તે ભૂલાઈ ગયેલા ઇતિહાસને યાદ કરવો ઉચિત ગણાશે.
ડૉ. પ્રશાંત કિદામ્બી લેસેસ્ટર યુનિવર્સિટીના કોલોનિયલ અર્બન હિસ્ટ્રીના પ્રોફેસર છે. તેમણે ક્રિકેટ વિશે પુસ્તક પણ લખ્યું છેઃ ક્રિકેટ કન્ટ્રી: ધ અનટોલ્ડ હિસ્ટરી ઑફ ધ ફર્સ્ટ ઑલ ઇન્ડિયા ટીમ (પેન્ગ્વીન વાઇકિંગ)