હજુ ચોમાસાની સીઝન યોગ્ય રીતે શરૂ થઈ નથી પણ હવે સીઝન ચાવુ થશે ત્યારે તમારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયે તમે ખાસ કરીને તમારા ગેજેટ્સને સુરક્ષિત રાખવાની મુશ્કેલીનો સામનો કરો છો. અનેક પ્રયાસો છતાં ખાસ કરીને વરસાદમાં તમારો ફોન પલળી જવાના કારણે ખરાબ થઈ જાય છે. આ સમયે તમારા અનેક કામ અટકી જાય છે. જો તમે તમારા પલળેલા ફોનને ઠીક કરવા માંગો છો તો તમે આ ઉપાયો અજમાવી શકો છો. તો જાણો શું કરવું.
ફોન બંધ કરો
જો ક્યારેય તમારો ફોન પાણીમાં ભીનો થઈ જાય તો પહેલા તેને સ્વીચ ઓફ કરી દેવો ખૂબ જ જરૂરી છે. આવું એટલા માટે કારણ કે જો ફોન બંધ ન કરવામાં આવે તો ફોનમાં શોર્ટ સર્કિટનો ભય રહે છે, જેના કારણે ફોન સંપૂર્ણપણે ડેમેજ થઈ શકે છે. ઉપરાંત તે તમારા માટે જોખમી પણ સાબિત થઈ શકે છે.
એક્સેસરીઝને અલગ કરો અને સૂકવો
જો વરસાદમાં ફોન ભીનો થઈ જાય તો ફોન બંધ કર્યા પછી તેની બેટરી, મેમરી કાર્ડ અને સિમ કાર્ડ કાઢી લો અને તેને કપડા કે ટીશ્યુ પેપરથી સારી રીતે સૂકવી દો. જો ફોનની બેટરી નોન-રીમૂવેબલ હોય, તો ફોનને સાફ કરો અને તેને થોડા કલાકો સુધી હવામાં સૂકવવા દો. ધ્યાનમાં રાખો કે આ સમય દરમિયાન ફોન ચાલુ કરવાનું જોખમ ન લો.
ચોખાની મદદ લો
જો ફોન પાણીમાં ભીનો થઈ જાય તો તેને લૂછીને અને તેને યોગ્ય રીતે સૂકવ્યા પછી તમે ફોનને ઓછામાં ઓછા ચોવીસ કલાક સુધી ચોખાના ડબ્બામાં નીચે રાખી શકો છો. ચોખા ફોનમાં બનેલા ભેજને શોષવામાં મદદ કરે છે.
સિલિકા જેલ મદદ કરશે
સિલિકા જેલ ફોનમાં રહેલા પાણી અને ભેજને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે. આ માટે ફોનને બંધ કર્યા પછી અને તેને સૂકા કપડાંથી સાફ કર્યા પછી એક દિવસ માટે સ્વચ્છ અને સૂકા કાચના કન્ટેનરમાં રાખો. બરણીમાં સિલિકા જેલના ચારથી પાંચ પૅકેટ પણ મૂકો. તેનાથી ફોનમાં આવેલો ભેજ સુકાઈ જશે.
યુએસબી અને હેડફોનનો ઉપયોગ કરશો નહીં
જ્યારે ફોન ભીનો થાય ત્યારે તેનો ભેજ બરાબર સુકાઈ ન જાય ત્યાં સુધી USB કેબલ અને હેડફોનનો બિલકુલ ઉપયોગ કરશો નહીં. આની પાછળનું કારણ એ છે કે ભીના ફોનમાં કોઈ ગેજેટ્સ યૂઝ કરવાથી તમારા ફોનને કાયમ માટે નુકસાન થઈ શકે છે.
વરસાદમાં ફોનને આ રીતે રાખો સુરક્ષિત
વરસાદમાં ફોનને સુરક્ષિત રાખવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ માટે ઘરની બહાર જતી વખતે તમારા ખિસ્સામાં પ્લાસ્ટિકના ઝિપ પાઉચ અથવા કોઈપણ પોલિથીન રાખો. જેથી ફોનને પલળવાથી બચાવી શકાય. વરસાદની મોસમમાં ફોનનો સીધો ઉપયોગ કરવાને બદલે ફોનને સુરક્ષિત રાખવા માટે બ્લૂટૂથ હેડફોનની મદદ લેવી વધુ સારું રહેશે. આ સિવાય તમે પ્લાસ્ટિકના કવરનો ઉપયોગ કરી શકો છો.