અમદાવાદમાં રવિવારે રાતે પડેલા ધોધમાર વરસાદે વિરામ લીધો હતો. મોડી રાતે બે વાગ્યાથી ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેમાં બે કલાકમાં શહેરમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. હાલમાં અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે. આજે પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. સોમવારે સવારે 7 વાગ્યાની સ્થિતિએ છેલ્લા 12 કલાકમાં અમદાવાદમાં 8 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. મોડી રાતે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. વાસણા, પાલડી, એલિસબ્રિજ, સરસપુર, હાટકેશ્વર, બોપલ-ઘુમા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયાં છે. લોકોને વહેલી સવારથી જ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ, શહેરમાં શાળા-કોલેજોમાં પણ આજે રજા જાહેર કરવામાં આવી છે. તમામ ગાર્ડન પણ બંધ કરી દેવાયા.
શહેરનાં અનેક વિસ્તારોમાં ફરી પાણી ભરાયાં છે
રવિવાર મોડી રાતે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં પાલડી, વાસણા, એલિસબ્રિજમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ઉસ્માનપુરા, આશ્રમ રોડ, વાડજ, ઇન્કમટેક્સ વિસ્તારમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. બોડકદેવ, વસ્ત્રાપુર વિસ્તારમાં બે ઇંચ વરસાદ પડતાં ભારે હાલાકી પડી છે. હજી પણ સતત વરસાદ પડી રહ્યો છે. રવિવાર સાંજે સાત વાગ્યાથી સોમવારે વહેલી સવારે સાત વાગ્યા સુધીમાં પાલડી, વાસણા, એલિસબ્રિજ વિસ્તારમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે વાડજ, ઇન્કમટેકસ, આશ્રમ રોડ વિસ્તારમાં 14 ઇંચ, બોડકદેવ, વસ્ત્રાપુર વિસ્તારમાં 12 ઈંચ વરસાદ પડ્યો છે.
પ્રહલાદનગરના ઔડા તળાવની પાળી તૂટી
ભારે વરસાદને કારણે પ્રહલાદનગર રોડ પર આવેલા ઔડા તળાવની પાળી તૂટી છે. એની પાસે આવેલી વ્રજવિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયાં છે. ઉલ્લેખનીય છે કે પાર્કિંગમાં ઊભેલી કાર આખેઆખી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. હજુ વરસાદ પડશે તો પરિસ્થિતિ કેવી થશે એવી એપાર્ટમેન્ટના રહીશોને ચિંતા છે. શાહીબાગ, ઉસ્માનપુરા અને અખબારનગર અંડરબ્રિજમાં બે ફૂટ પાણી ભરાતાં ત્રણેય અંડરબ્રિજ બંધ કરવા પડયા હતા. મોડી રાતે ફરી વરસાદ શરૂ થતાં લોકોનાં ઘરમાં પાણી ઘૂસી ગયાં છે. ભારે હાલાકી ભોગવવી પડી છે. અનેક વિસ્તારોમાં ફરી પાણી ભરાયાં છે.
દેવાસ એપાર્ટમેન્ટમાં ભારે હાલાકી
દિવ્ય ભાસ્કરે દેવાસ એપાર્ટમેન્ટના સ્થાનિક રહીશ જગદીશભાઈ ઠાકોર સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે પડેલા ધોધમાર વરસાદને કારણે અમારા એપાર્ટમેન્ટનો ગ્રાઉન્ડ ફ્લોર આખો પાણીથી ભરાઈ ગયો છે. નીચેના માળે રહેતા તમામ લોકોને ઘર છોડીને બીજાના ઘરમાં રહેવાની ફરજ પડી છે. તેમનો ઘરવખરીનો સામાન પલડી ગયો છે અને ભારે નુકસાન થયું છે. વાહનો પણ પાણીમાં ડૂબી ગયાં છે. ગઈકાલે રાતથી જ વરસાદને કારણે લાઈટો બંધ થઈ ગઈ છે. હજી સુધી લાઈટ આવી નથી. છેલ્લા 12 કલાકથી આ ફ્લેટમાં પાણી ભરાયેલું છે અત્યારે ફ્લેટના રહીશોએ ભારે હાલાકીમાં મુકાયા છે.
અનેક મકાનો અત્યારે પાણીમાં ગરકાવ
તેમણે કહ્યું હતું કે અગાઉ આ ફ્લેટમાં પાણી ભરાતાં ઝડપથી પાણીનો નિકાલ થતો હતો, પરંતુ ગુપ્તાનગર તરફ એક ફ્લેટની સ્કીમ બની જતાં પાણીનો નિકાલ થતો નથી. નીચેના માળે આવેલાં અનેક મકાનો અત્યારે પાણીમાં ગરકાવ છે અને લોકોની ઘરવખરી બળી ગઈ છે. પોતાનો કીમતી સામાન કે પૈસા અન�� દાગીના વગેરે તેમને ઉપરના માળે માળિયામાં મૂકવા પડયા છે. હજી સુધી આ વિસ્તારમાંથી પાણી ઓસર્યા નથી, જેને કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અત્યારે થોડુંઘણું પીવાનું પાણી તેમની પાસે છે, પરંતુ જો ઝડપથી પાણીનો નિકાલ નહીં થાય તો પાણી વગર પણ કહેવું પડે તેવી પરિસ્થિતિ અત્યારે દેવાસ એપાર્ટમેન્ટના રહીશોની થઈ ગઈ છે.