જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાની બેઠકમાં ધડાકો થયો હતો જ્યારે પીએમ ફુમિયા ભાષણ આપી રહ્યા હતા. તે જ સમયે સ્મોક બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. સુરક્ષાકર્મીઓએ વડાપ્રધાનને સુરક્ષિત બહાર કાઢ્યા છે. પોલીસે સ્થળ પરથી એક વ્યક્તિની ધરપકડ કરી છે.
અહેવાલ અનુસાર, વડાપ્રધાન ફુમિયો કિશિદા વાકાયામા શહેરમાં તેમનું ભાષણ શરૂ કરવાના હતા તે પહેલાં જ આ વિસ્ફોટ થયો હતો. સ્મોક બોમ્બ ફેંકાયા બાદ ચારેબાજુ ધુમાડો છવાઈ ગયો હતો. આ ઘટનાના વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઘટનાસ્થળે એકઠા થયેલા લોકો સુરક્ષિત રીતે ભાગવા માટે દોડતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન સુરક્ષા દળોએ એક વ્યક્તિને પણ પકડી લીધો હતો.
સભામાં વિસ્ફોટ બાદ PM કિશિદા માંડ-માંડ બચ્યા હતાં. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં ભાષણ આપવાના હતા.
શિન્ઝો આબે પર તેમના ભાષણ દરમિયાન ઘાતક હુમલો
જાપાનમાં આ બીજી વખત છે જ્યારે કોઈ મોટા રાજનેતાની સુરક્ષાનો ભંગ થયો હોય. અગાઉ ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો અબે (67)ની ગયા વર્ષે 8 જુલાઈએ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભાષણ દરમિયાન શિન્ઝો આબે પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે તેઓ નારા શહેરમાં ભાષણ આપી રહ્યા હતા તે જ સમયે તેમના પર ગોળીબાર થયો અને તેઓ અચાનક નીચે પડી ગયા હતા. જે બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.