મધ્યપ્રદેશ રાજ્યમાં એક એવું મંદિર આવેલુ છે જયાં એક અખંડ જ્યોત હજારો વર્ષથી પ્રગટી રહી છે. આ ચમત્કારી જ્યોતના દર્શન કરવા લોકો દૂર દૂરથી અહીં આવતા હોય છે. ખાસ કરીને નવરાત્રિ દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આ મંદિર હરસિદ્ધિ માતાનું છે અને તે મધ્યપ્રદેશના આગર માલવા જિલ્લાથી થોડા કિલોમીટર દૂર બીજાનગરીમાં આવેલું છે.
શું ખાસ છે આ મંદિરમાં ?
માં હરસિદ્ધિનું આ મંદિર ખૂબ ચમત્કારિક છે. આ મંદિરમાં પ્રગટી રહેલી જ્યોત બે હજાર વર્ષથી પ્રજવલ્લિત છે. એટલું જ નહિ ભારે પવન ફૂંકાતા પણ આ જ્યોત બૂઝાતી નથી. આજે ઉઠતી રહે છે અને આ જ્યોતને પ્રજ્જવલિત રાખવા માટે દર મહિને દોઢ ક્વિન્ટલ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત આ મંદિરમાં દર્શનાર્થે આવતા લોકો આ મંદિરમાં અનેક પ્રકારના ચમત્કાર થતાં હોવાનું પણ કહે છે.
આ મંદિરમાં આવતા ભક્તોની વાત માનીએ તો આ મંદિરમાં તેમને દિવસ દરમિયાન માતાના ત્રણ રુપ દર્શન થાય છે. આ મંદિરમાં રાખવામાં આવેલી માતાની મૂર્તિમાં સવારે બાળપણ અને બપોરે યુવાનીના દર્શન થાય છે. તો સાંજના સમયે માતાની મૂર્તિ ઘડપણનું રૂપ દેખાડે છે.
મંદિર સાથે સંકળાયેલી વાર્તા :
ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યની જેમ તેના ભાણેજ વિજયસિંહ પણ માતા હરસિદ્ધિના ખૂબ મોટા ભક્ત હતા અને તેઓ રોજ ઉજ્જૈનમાં સ્થિત માતાના એક મંદિરમાં દર્શનાર્થે જતા હતા. તેઓ માતાના એટલા મોટા ભક્ત હતા કે માના દર્શન પછી જ તેઓ ભોજન ગ્રહણ કરતા હતા.
એક દિવસ માતાના દર્શન કરીને વિજયસિંહ જ્યારે ઘરે પરત આવ્યા, તો રાત્રે તેમને સપનામાં માતા રાણીએ દર્શન આપ્યા અને સપનામાં કહ્યું કે, તે બીજાનગરીમાં તેમનું એક મંદિર બનાવે અને આ મંદિરનો દરવાજો માત્ર પૂર્વ દિશામાં રાખે. જે પછી રાજાએ આ જ જગ્યા પર મંદિર બનાવી દીધું. મંદિર બન્યા પછી ફરીથી માતાએ તેના સપનામાં આવી અને કહ્યું કે તેઓ હવે આ મંદિરમાં બિરાજમાન થઇ ગયા છે. સાથે જ માતાએ કહ્યું કે દરવાજો પૂર્વની જગ્યાએ પશ્ચિમમાં બાંધવામાં આવ્યો છે. આ સપના પછી જાગીને રાજા તરત જ મંદિર ગયા અને તેમણે જોયું કે માતાની વાત એકદમ સાચી હત��. મંદિરનો દરવાજો ખોટી દિશામાં બંધાઇ ગયો હતો.
બનાવવામાં આવે છે સ્વસ્તિક :
જે લોકોને કોઈ મનોકામના હોય છે તે લોકો આ મંદિરમાં આવીને છાણથી એક સ્વસ્તિક બનાવે છે અને આ સ્વસ્તિક ઉલ્ટો બનાવવામાં આવે છે. જેમની મનોકામના પૂરી થઈ જાય છે તે આ મંદિરમાં ફરીથી આવે છે અને સીધો સ્વસ્તિક બનાવે છે. જ્યારે નવરાત્રીના દિવસોમાં ઘટની સ્થાપના કર્યા પછી આ મંદિરમાં આઠમ સુધી કોઈ નારિયેળ વધેરતું નથી. આ મંદિર એટલું પ્રસિદ્ધ છે કે આ મંદિરમાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ આવીને પોતાનું માથું ટેકવીને માતાનો આશીર્વાદ મેળવી ચૂક્યા છે.