- ચોમાસુ પાક માટે સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર
- રાપરનો લાકડવાંઢ સિંચાઈ ડેમ ઓવરફ્લો થયો
- નાના-મોટા અનેક ચેકડેમો છલકાઈ ગયા
સતત વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહેલા કચ્છના રાપર તાલુકામાં ગઈકાલે સાંજથી મેઘરાજાએ મન મૂકીને મહેર કરી છે. તાલુકા મથકે નોંધાયેલ વરસાદના આંકડા મુજબ, ગઈકાલે સાંજે 5 થી સવારના 5 વાગ્યા સુધી 7 ઈંચ વરસાદ વરસી ગયો છે.
ગઈકાલે 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જે બાદ રાત્રે 1 વાગ્યા બાદ વહેલી સવાર સુધી 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આમ 12 કલાકમાં 7 ઈંચ વરસાદ વરસી ગયો હતો.
રાપર ઉપરાંત સમગ્ર જિલ્લામાં મેઘરાજાએ મહેર કરી છે. અનેક ગામોના તળાવમા નવા નીર આવ્યા છે. 12 કલાકમાં સાર્વત્રિક મેઘ મહેર થતાં ચોમાસુ પાક મગ જેવા કે, બાજરી, જુવાર, તલ, કપાસ અને મગફળી સહિતને સારો ફાયદો થશે.
સમગ્ર રાપર તાલુકાના લગભગ તમામ ગામોમાં 3 થી 4 ઈંચ વરસાદ વરસ્યાના વાવડ મળી રહ્યા છે. આજે પણ દિવસ દરમિયાન વરસાદી ઝાપટા રહ્યા હતા. જેથી મુખ્ય બજારમાં પાણી વહી નીકળ્યા હતા. આમ વાગડ પર મેઘરાજાએ મહેર કરતાં લોકો આનંદીત થઈ ગયા હતા.
હજુ પણ હવામાન વિભાગની આગાહી અનુસાર બે દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળશે. સતત વરસાદને પગલે લાકડાવાંઢ સિંચાઈનો ડેમ ઓવરફલો થયો છે. જ્યારે રામવાવનું કાગનોરા ડેમ અને ગામ તળાવ ઓવરફલો થઇ ગયા હતા. સુવઈ ડેમમાં 9 ફુટ પાણીની આવક થઈ હતી. આમ રાપર તાલુકામાં અનેક નાના-મોટા ડેમમાં પાણી ની આવક થઈ છે, તો અનેક ચેકડેમો છલકાઈ ગયા છે.