મારા ઘરે કોઈ વાત પર માથાકૂટ થતી હોય તો તે છે, બૂકો રાખવાની જગ્યા બાબતમાં. "નવી નવી ચોપડીઓ લેતા રહો છો. હવે રાખવાની જગ્યા નથી.." હું જ્યારે પણ નવી બુક લાવું ત્યારે આ ઠપકો સાંભળવો પડે. જોકે વાત પણ સાચી છે. પુસ્તકો રાખવાની જગ્યા ઓછી પડે છે. છેલ્લા વર્ષથી પુસ્તકો રાખવાની જગ્યા અને તે વેચાતા લેવા માટેના પૈસાની લિમિટ બાંધી દેવામાં આવી છે. ક્વોટા નક્કી કરી દેવામાં આવ્યો છે. જોકે આમ છતાં નક્કી કરેલ લિમિટ કરતાં વધુ જગ્યાની અને વધુ પૈસાની જરૂર પડી છે.(જોકે ઠપકો સાંભળવો પડ્યો છે. પણ તે તો એક કાનેથી સાંભળી બીજા કાને કાઢી નાખવાનું!!!)
મારો ખર્ચ વધુમાં વધુ પુસ્તકો ઉપર થાય છે. અને તે મને ગમે છે. પુસ્તકો એ મારું ઈન્વેસ્ટમેન્ટ છે. કારણ કે તેનાથી મને લાભ થયો છે. પણ એ શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે. તેને હું પણ ગણાવી પણ ન શકું. આમ છતાં તે મને ઉપયોગી થયા છે. અને આ વાતને હું છાતી ઠોકીને કહી શકું.
સફેદ કાગળ પરના કાળા અક્ષરોને પોતાની સુગંધ છે. પોતાનું રહસ્ય છે. તેની પાસે વાત કરવાની શક્તિ છે. હૃદયને નીચોવી નાખવાનું સામર્થ્ય છે. આંખો પર રહેલા પડદાને બાળી નાખી, સત્યને દેખાડી આપવાની તમન્ના છે. પણ આ માટે તમારે તેની પાસે જવું પડે. તેની સુગંધને સમજવી પડે. તેને વાત કરવા માટે પ્રોત્સાહિત કરવું પડે. મારી વાત કોઈને મજાક સમાન લાગશે!!! પણ પુસ્તકો નિર્જીવ નથી, પણ જીવંત છે. તેને પોતાનું જીવન છે. આ વાત હું આટલા વર્ષોના સહવાસથી સમજી શક્યો છું.
મારી પાસે અગાથા ક્રિસ્ટી, અશ્વિની ભટ્ટ, ગોવર્ધનરામ ત્રિપાઠી, ધૂમકેતુ, વગેરે પ્રખ્યાત લેખકોની કૃતિઓ છે.આજ રીતે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાના ઘણાં નામી-અનામી લેખકોની નવલકથાઓ અને વાર્તાઓના સંગ્રહ છે. કાલ માર્ક્સ, લેનીન વગેરેથી લઈને ઓશો સુધીના ફિલોસોફરો, રહસ્યવાદીઓ, ક્રાંતિકારીઓના લખાણો છે. અને હું વારંવાર તે વાંચતો રહું છું.
આ બધી બુકો છેક બારમા ધોરણમાં હતો, ત્યારથી ભેગી કરવાની શરૂઆત કરી છે. કેટલીક તો પસ્તીમાંથી લીધેલી છે. ખૂબ ઓછા પૈસામાં. આમ છતાં તેમાંના લખાણની કોઈ કિંમત આંકી શકાય તેમ નથી. આ થોડાક પસ્તીમાંથી લીધેલા પુસ્તકોને બાદ કરતા મોટાભાગના નવા, વેચાતા લીધેલા છે. કેટલાક પ્રકાશકો પાસેથી ડાયરેક્ટ આવેલા છે. તો થોડાક મિત્રો પાસેથી ભેટમાં પણ મળેલા છે.
મારી ઈચ્છા ઘરમાં લાઇબ્રેરી બનાવવાની નથી, પણ લાઇબ્રેરીમાં ઘર બની જાય તેવી છે.
જ્યારે મારા ઘરનો સામાન બદલાવવાનો થાય ત્યારે સૌથી વધુ વજન મારા પુસ્તકોનો થાય છે. અને આ તો હું મારી સાથે રાખું છું તે જ... બાકી જે જામનગરમાં મારા ઘરે પડેલા છે તે અલગ. આમ મારું ઇન્વેસ્ટમેન્ટ મોટું છે.
પણ આ ઇન્વેસ્ટમેન્ટ કોઈ ચક્રવૃદ્ધિ વ્યાજ આપતું નથી. ઊલટાનું અત્યારે આ બધું વેચવા નીકળુતો પસ્તીના ભાવે જાય. પણ તેની કિંમતતો કોઈ મૂર્ખ જ આંકી શકે, જે તેના લખાણોને, તેની સુગંધને, પુસ્તકમાં રહેલા ધબકતા જીવનને અનુભવી નથી શકતો. આમ ભલે તે ચક્રવૃદ્ધિ વ્યાજ ન આપતું હોય, પણ તે એવું વ્યાજ આપે છે કે તેની પાસે ચક્રવૃદ્ધિ વ્યાજ પણ નાનું પડે.
આમ છતાં મારી પાસે જે પુસ્તકોનું કલેક્શન છે, તે મારી ઈચ્છાના એક ટકા જેટલું પણ નથી. મારી પાસે અંગ્રેજી સાહિત્યની કૃતિઓ નહિવત કહી શકાય. અહીં હું મૂળ અંગ્રેજી લેખકોની વાત કરું છું. શેક્સપિયર, થોમસ હાર્ડી, ઓસ્કાર વાઈલ્ડ વગેરેની. ચેતન ભગત જેવા ડબલ ઢોલકી વગાડનારની નહીં. આવા તો ઘણાની કૃતિઓ છે. વળી, રશિયન લેખકોનું મને આકર્ષણ હોવા છતાં તેમની થોડી જ કૃતિઓ મારી પાસે છે. આજના રીતના લેનિન અને કાલ માર્ક્સનાં સમગ્ર પુસ્તકો વસાવવા છે. જેની કુલ સંખ્યા લગભગ સો ઉપરની થાય છે. આજ રીતના ગુજરાતી સાહિત્યકારો, ખાસ તો ગાંધીયુગના લેખકોની કૃતિઓનો હજી પણ અભાવ છે. બુધ્ધધર્મ, જૈનધર્મ અને ખ્રિસ્તીધર્મના મુખ્ય પુસ્તકો લેવા છે. કમ સે કમ આટલી ફિલોસોફીનો અભ્યાસ કરવાનો વિચાર છે. ત્યારે ગાંધીજી અને વીર સાવરકરનાં સંપૂર્ણ ગ્રંથ કેમ ભૂલાય? ઈચ્છાઓનું લિસ્ટ બહુ લાંબુ છે. લખવા બેસું તો કાલે પણ પૂરું ન થાય.
પણ આ બધા માટે રાખવાની જગ્યા જોઈએ. અને વાંચવા માટેનો સમય. અને વાંચ્યા બાદ તેને પચાવવા માટે પુષ્કળ સમય. અત્યારની સ્થિતિમાં, આ થઈ શકવાની સંભાવના નહીંવત છે. પણ મારી આશા જીવંત છે.
પુસ્તકોનો પણ સ્વાદ હોય છે. કેટલાક વાંચતાની સાથે જ પચી જાય એવા સરળ હોય છે. બપોરના ભરપેટ જમીને આડા પડ્યા હોઈએ અને વાંચવાની મજા આવી જાય. તો કેટલાકને પચાવવા અઘરા છે. તે માટે સમય આપવો પડે. વારંવાર વાંચવા પડે. સંદર્ભગ્રંથોનો ઉપયોગ કરવો પડે. અને વાગોળતા વાગોળતા પચાવવા પડે. આ પુસ્તકો આરામના સમય માટેના નથી હોતા. તે માટે તો મગજને કસવાની જરૂર પડે. તો કેટલા ક્યારેય, ન પચે તેવા હોય છે. તો અજીર્ણ થઈ જાય. લેખક પોતે જ જાણતો ન હોય કે તે શું લખી રહ્યો છે!!! ત્યારે થોડા પનનાં વાંચી તેને છોડી દેવામાં જ ભલીવાર હોય છે. ભલે ગમે તેટલું મોંઘું હોય પણ પહેલા 50 પન્નામાં રસ ના પડે, મને મજા ન આવે, તો હું છોડી દઉં છું. ખાસ તો લેખકે મૌલિકતાથી ન લખ્યું હોય, ગપગોળા ચલાવતો હોય, અને પોતે અંધારામાં ભટકી રહ્યો હોય, ત્યારે તેવા કચરાના પુસ્તકો વાંચવાનો કોઈ અર્થ નથી. મજા નથી. પછી ભલે ગમે તેટલું મોંઘું આપ્યું હોય છતાં હું તેને વાંચવાનો લોભ રાખતો નથી. આ કિસ્સામાં તે પસ્તીમાં જ જાય છે.જો કે તેના લેખક અને પ્રકાશકોને જરૂર પત્ર લખું છું.
"જમવાની માથાકુટ" મારી એન્જિનિયરિંગની યાત્રા ની આત્મકથા ભાગ - 13
પુસ્તકોની સાચવવા પણ પડે છે. એવું નથી કે એક વખત કબાટમાં ગોઠવી દીધા એટલે કામ પૂરું. માંકડ અને બીજા જીવ-જંતુઓ થઈ જવાનો ભય રહે છે. વર્ષમાં ઓછામાં ઓછા બે-ત્રણ વખત તો કબાટની બહાર કાઢીને સાફ સફાઈ કરવી પડે. ફિનાઈલ ની ગોળીઓ નાખવી પડે...
હું તો કહું છું કે જો ઘરમાં પડેલા પુસ્તકો તમે ન વાંચતા હોવ તો કમસેકમ મહિનામાં એકાદ વખત તે કબાટની બહાર કાઢી સાફ સફાઈ કરવી જોઈએ. તે પુસ્તકને કબાટની બહાર કાઢી સ્પર્શ કરવો જોઈએ. આવું કરવાથી પણ ઘણી વખત થોડુંક વાંચી જવાની પ્રેરણા થઇ આવે.
HJR