કર્ણાટકથી શરૂ થયેલો હિજાબ વિવાદ ગુજરાત સુધી પહોંચી ગયો છે. AIMIM દ્વારા હિજાબના સમર્થનમાં સિગ્નેચર અભિયાનનું એલાન કરવામાં આવ્યું હતું. આ બાબતે સોશિયલ મીડિયામાં આયોજકના નામ વગરની પોસ્ટ ફરતી થઈ હતી. જેના પગલે સુરત અઠવાલાઈન્સ પોલીસે AIMIMના કાર્યકરોની અટકાયત કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, હિજાબના સમર્થનમાં સુરતમાં રેલી કાઢવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયામાં આયોજકના નામ વિનાની બે પોસ્ટ ફરતી થઈ ગઈ હતી. જેના પગલે સુરત પોલીસ હરતતમાં આવી હતી.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી એક પોસ્ટમાં રેલી નીકાળવાનું એલાન કરવામાં આવ્યું હતું. આ માટે મહાત્મા ગાંધીની પ્રતિમા નજીક ભેગા થવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. જ્યારે બીજી પોસ્ટમાં અફવા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
જો કે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે અઠવાલાઈન્સ પોલીસે અટકાયતી પગલા લીધા હતા. જેમાં અઠવાલાઈન્સ પોલીસે AIMIM સુરત મહિલા પ્રમુખ નઝમા ખાન અને પાર્ટીના સુરતથી પ્રમુખ વસીમ કુરેશીની અટકાયત કરી હતી.
AIMIM અમદાવાદ એકમે હિજાબના સમર્થનમાં પ્રથમ પ્રદર્શન કર્યું હતું અને શનિવારે એક સિગ્નેચર અભિયાનનું પણ એલાન કરવામાં આવ્યું હતું. અમદાવાદના આસ્ટોડિયા દરવાજા ખાતે આ અભિયાન શરૂ થવાનું હતું, પરંતુ તે પહેલા જ AIMIM અમદાવાદના અધ્યક્ષ શમશાદ પઠાણને પોલીસે તેમના ઘરમાં જ નજર કેદ કરી દીધા હતા.
પોલીસની કાર્યવાહીને પગલે શમશાદે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ થકી સંદેશ શેર કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, શનિવારે હિજાબના માટે આંદોલન કરી રહેલી યુવતીઓના સમર્થનમાં સિગ્નેચર કેમ્પેઈન ના કરી શકું, તે માટે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના અધિકારીઓ મને પકડવા માટે આવી ગયા છે. વ્યવસાયે એડવોકેટ શમશાદ પઠાણ AIMIM ગુજરાતના જનરલ સેક્રેટરી અને અમદાવાદ શહેરના અધ્યક્ષ દ્વારા આ સંદેશો સોશિયલ મીડિયામાં વહેતો કરવામાં આવ્યો છે.
આવી જ રીતે હિજાબનું સમર્થન કરી રહેલા કોંગ્રેસના માઈનોરિટી વિભાગના આગેવાનોની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં કોંગ્રેસના મુસ્લિમ કાર્યકર્તાઓની અટકાયત કરીને તેઓને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા છે. જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ અટકાયત કરવામાં આવેલા કાર્યકર્તાઓની અટકાયત કરી છે.