ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન એટલે કે 2022થી બે નવી ટીમો ઉમેરવામાં આવશે. દુબઈમાં યોજાયેલી હરાજીમાં લખનઉ અને અમદાવાદના નામ પર મહોર મારવામાં આવી હતી. સંજીવ ગોએન્કાના જૂથે લખનઉ માટે રૂ. 7090 કરોડની બોલી લગાવી હતી, જ્યારે લંડન સ્થિત ઇન્વેસ્ટમેન્ટ ફર્મ CVC કેપિટલ્સ ગ્રૂપે રૂ. 5625 કરોડમાં અમદાવાદ માટે વિજયી બોલી લગાવી હતી. હવે આઇપીએલના પૂર્વ પ્રમુખ લલિત મોદીએ આઇપીએલમાં ખાનગી ઇક્વિટી ફર્મ સીવીસી કેપિટલ્સ પાર્ટનર્સના પ્રવેશને લઇ સવાલ ઉઠાવ્યા છે. કારણ કે તેનું રોકાણ સટ્ટાની ગતિવિધિયો સાથે જોડાયેલી કંપનીઓમાં છે.
સીવીસી એ દુનિયાની સૌથી મોટી ટી-20 લીગની અમદાવાદ ફ્રેંચાઇઝીને ખરીદવા માટે 5625 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. સીવીસી પોતાને ઇક્વિટી ક્ષેત્રમાં દુનિયાની મોટી કંપની ગણાવે છે જે 125 અબજ ડૉલરની સંપત્તિની માલિક છે.
સીવીસીની વેબસાઇટ અનુસાર તેમનું રોકાણ ટિપિકો અને સિસલ જેવી કંપનીઓમાં છે જે રમતમાં સટ્ટા સાથે જોડાયેલ છે. ભારતમાં સટ્ટો રમવો અને રમાડવો ગેરકાયદેસર છે. સીવીસી ભૂતકાળમાં ફાર્મુલા વનમાં પણ રોકાણ કરી ચૂક્યું છે અને હવે તેમની ભાગીદારી પ્રીમિયરશીપ રગ્બીમાં છે.
લલિત મોદીએ મંગળવારે ટ્વીટ કર્યું,‘મને લાગે છે કે સટ્ટાખોર કંપનીઓ આઇપીએલની ટીમ ખરીદી શકે છે. કદાચ કોઇ નવો નિયમ આવ્યો હશે. બોલી જીતનાર એક બોલીદાતા એક મોટી સટ્ટાબાજી કંપનીનો માલિક પણ છે. આગળ શું થશે. શું બીસીસીઆઇ એ પોતાનું કામ નથી કર્યું. ભ્રષ્ટાચાર વિરોધી એકમો આવા મામલામાં શું કરશે.’
આઇપીએલ ટીમ માટે દિગ્ગજ ફુટબોલ ક્લબ મેનચેસ્ટર યૂનાઇટેડના માલિકે ફણ બોલી લગાવી હતી.
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, દુબઇમાં રવિવારે પારદર્શી બોલી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું. અધિકારીએ કહ્યું,‘રૂમમાં હાજર બિડરમાંથી કોઈપણને બિડિંગ પ્રક્રિયામાં કોઈ સમસ્યા ન હતી. આ પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરવામાં આવી હતી. જીતેલી બિડ્સ IPLની વધતી જતી વૈશ્વિક અપીલને દર્શાવે છે.’
સીવીસી કે��િટલ્સ ગ્રુપ કોણ છે?
CVC કેપિટલ્સ ગ્રુપ લંડનના લક્ઝમબર્ગ સ્થિત એક મોટી અને જાણીતી ઇન્વેસ્ટમેન્ટ ફર્મ છે. કંપનીના ચેરમેનનું નામ સ્ટીવ કોલ્ટેસ છે. 80ના દાયકામાં સિટીબેંકની માલિકીની સિટી કોર્પના નિરળ્યા બાદ આ પેઢીની શરૂઆત થઈ. તેણે સમગ્ર વિશ્વમાં વિવિધ ક્ષેત્રોમાં મોટું રોકાણ કર્યું છે. તે મૂળભૂત રીતે એક ઇક્વિટી પેઢી છે અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અને બ્રોકરેજમાં ડીલ કરે છે.