પહેલા સેમેસ્ટરની પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું, તે દરમ્યાન ઘણી બધી વાતો બની ગઈ. તેમાં ઘણી બધી રસપ્રદ વાતો હોવા છતાં મારે તેને લખવાનું છોડવું પડશે.
મેં આગળની પોસ્ટમાં કહ્યું, તેમ પહેલા સેમેસ્ટરની પરીક્ષા બાદ તરત જ બીજું સેમેસ્ટર ચાલુ થઈ ગયું હતું. અને મહિનાઓ વિતતા ગયા. એવામાં બીજા સેમેસ્ટરની પરીક્ષાના ફોર્મ પણ ભરવાના ચાલુ થઈ ગયા. પણ પેહલા સેમેસ્ટરની પરીક્ષાના પરિણામના કોઈ સમાચાર નહીં. અમારા પ્રોફેસરો પણ કહેતા કે "આપણી યુનિવર્સિટીમાં તો આવું જ ચાલે.." પાછળના વર્ષોમાં દરેક સેમેસ્ટરમાં આવું જ થયું છે. પણ ત્યારે તો રીઢા ગુનેગાર બની ગયેલા. તે કંઈ ફરક પડતો નહોતો. રિઝલ્ટ જ્યારે આવે ત્યારે... પાસ થયા કે નપાસ..
પણ જ્યારે બીજા સેમેસ્ટરનું ફોર્મ ભરવાનું ચાલુ થયું, ત્યારે અમે બધા ગૂંચવાઈ ગયા. હજુ પહેલા સેમેસ્ટરનું પરિણામ નથી આવ્યું અને બીજાના ફોર્મ ચાલુ. ત્યાં એક દિવસ મારો મિત્ર વિશાલ સમાચાર લાગ્યો કે "રીઝલ્ટ આવી ગયું છે."..
તે સમયે ઓનલાઇન પદ્ધતિ ન હતી. છાપેલું રીઝલ્ટ આવતા ઘણી વાર લાગતી. આથી યુનિવર્સિટી કોલેજ પર "ડેટા સીટ" મોકલતી. "ડેટા સીટ" એટલે સામાન્ય કાગળ પર કોમ્પ્યુટરમાંથી કાઢેલી મોટી પ્રિન્ટ. કોલેજવાળા તે ઘરે લઈ જવા ન દે. માત્ર જોવાની છૂટ અથવા તેની ઝેરોક્ષ કરાવવાની છુટ. પણ ઝેરોક્ષ મશીન કોલેજમાં નહોતું. આથી ત્રણ કિલોમીટર દૂર ચાલીને ગામમાં જવું પડે. સામાન્ય રીતે વિશાલ જ મોટાભાગના વિદ્યાર્થીઓની ઝેરોક્ષ કરાવી લાવતો. જોકે પૈસામાં થોડી "કટકી" પણ કરતો...
મારું રિઝલ્ટ જોયું. જે ચાર વિષયોની તૈયારી કરેલ, તે ચારે ચાર વિષયો પાસ થઈ ગયા. બાકીના બે તો આમ પણ માત્ર ઔપચારિકતા ખાતર જ પેપરો આપેલા. અને તેમાં મુદ્દલ તૈયારી નહોતી. તેથી પાસ થવાનો પ્રશ્ન નહોતો.
"જમવાની માથાકુટ" મારી એન્જિનિયરિંગની યાત્રા ની આત્મકથા ભાગ - 13
પરિણામ જોઈને મને આત્મવિશ્વાસ આવ્યો. રસાયણશાસ્ત્રનુ (chemistry) પેપર સૌથી અઘરું નીકળ્યું હતું. તેમાં ૩૮ માર્ક્સ આવ્યા. આગળની પોસ્ટ લખી ગયો છું, તે પ્રમાણે કેમેસ્ટ્રીના પેપરમાં માત્ર ૩૯ માર્ક્સનું જ લખ્યું હતું. જેમાંથી 38 માર્કસ આવ્યા..
મને લાગ્યું કે આપણે એન્જિનિયરિંગમાં ચાલીશું. જો પૂરતું આયોજન બનાવી તૈયારી કરીશું તો વાંધો નહીં આવે. આમ છતાં હું નિરાશાવાદમાંથી સંપૂર્ણ બહાર ન આવી શક્યો. તે જોઈ ના શક્યો કે જે બે વિષયોની તૈયારી નહોતી કરી, જો તે બે વિષયોની તૈયારી પણ કરી હોત, તો તે પણ પાસ થઈ જાત. મારી સામે એવા કેટલાય વિદ્યાર્થીઓ હતા જેમણે થોડીક જ તૈયારી કરીને બધા વિષયો પાસ કર્યા હતા.
બીજા સેમેસ્ટરમાં પણ છ વિષયો આવતા હતા. તેમાં પણ ચાર વિષય જ પસંદ કર્યા. બાકીના બે તૈયારી વગર ના છોડી દીધા. જોકે તે પણ ભૂલ જ હતી. પાછળથી તેનું પરિણામ જેવું આવવું જોઈએ તેવું ખરાબ જ આવ્યું... અહીંયા આખી વાત પૂર્ણ લખી નાખું. જેથી બીજી વાતો કે જે તે સમયની જ છે તે થઈ શકે.
બીજું સેમેસ્ટર પણ પૂર્ણ થયું. પરીક્ષાઓ આવી અને પરીક્ષાઓ ગઈ. બીજા સેમેસ્ટરના ચાર વિષયો પસંદ કરેલા તેમાંથી ત્રણ વિષયો જ પાસ થયા. એક સૌથી સરળ અને બધા વિદ્યાર્થીઓ પાસ થઈ જાય તેવા કોમ્પ્યુટરના બેઝીક વિષયમા હું અને મારો મિત્ર કિંજલ બંને નપાસ થયા. આખા ક્લાસમાંથી નહીં પણ આખી યુનિવર્સિટીમાંથી નપાસ થનારા અમે બે જ હતા. અને આ ખરેખર શરમજનક વાત કહેવાય. કારણકે આ વિષયમાં તો બધા પાસ થઈ જતા. માત્ર થોડું ઘણું લખી આવવાનું જ હતું. આમ છતાં અમે બને નપાસ થયા. અને આ વિષય તો છેટ ત્રીજા વર્ષે માંડ માંડ પાસ કર્યો. જ્યારે અમે એક્ઝામ દેવા જતા ત્યારે બધા અમારી ઉપર હસતા.... ખબર નહીં, પણ બધું લખી આવવા છતાં પણ અમે બંને પાસ નહોતા થઈ શકતા. અને તે પણ એવા વિષયમાં કે જે સૌથી સહેલો ગણાતો... તે વિષયનું પેપર તો માત્ર 50 માર્કસનું આવતું. જ્યારે બીજા બધા વિષયના પેપર તો ૧૦૦ માર્ક્સના આવતા.
ધૂળમાં આળોટતું બાળપણ એક ટૂંકી વાર્તા
આમ પેહલા વર્ષના કુલ ૧૨ વિષયોમાંથી સાત વિષય જ પાસ થયા. નિયમ પ્રમાણે બીજા વર્ષમાં પ્રવેશ મેળવવો હોય તો આઠ વિષય પાસ થવા જોઈએ. મારા સાત થતા હતા. મને બીજા વર્ષમાં પ્રવેશ મળ્યો નહીં. આખું વર્ષ ઘરે બેસવાનું આવ્યું. જેને "ડીટેન" થયો કહેવાય..
બીજી એક વાત અહીં જણાવી દઉં. "ડીટેન" થનારાઓમાં અંગ્રેજી માધ્યમમાંથી આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હતી. ગુજરાતી માધ્યમમાંથી આવનારા વિદ્યાર્થીઓતો મોટા ભાગના ૮ ઉપરના વિષયો પાસ કરી ગયા હતા. કેટલાક તો 12 વિષય પણ પાસ થઈ ગયા હતા. આથી અંગ્રેજી માધ્યમ માટે જે "મોહ" આજે છે, તેનો કોઈ અર્થ નથી. જે પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં મૂકવા માંગે છે, તેણે આ વિશે થોડું વિચારી લેવું જોઇએ..
"ડીટેન" થયા બાદ હવે આગળ શું કરવું તેની વિચારણા ચાલી. વર્ષ બગડેતો હવે આગળ એન્જિનિયરિંગ કરવાની મારી ઇચ્છા હતી નહીં... મે પાછું એન્જિનિયરિંગ છોડી દેવાનું નક્કી કર્યું..
જે દિવસે હું જવાનો હતો, તે દિવસે સમાચાર આવ્યા કે "યુનિવર્સિટીએ સાત વિષયનો નિયમ કરી નાખ્યો છે. જે લોકોને સાત વિષય પાસ થયા હશે તેમને પણ બીજા વર્ષમાં પ્રવેશ મળશે. કારણ કે યુનિવર્સિટીની આ છેલ્લી બેંચ છે. હવે નવા એડમિશન GTU માં થશે.યુનિવર્સિટી એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ બંધ કરશે."
આ સમાચાર આનંદના હતા. અને અણધાર્યા પણ હતા. મારા સાત વિષય પાસ થયા હતા. અને હું બીજા વર્ષમાં પ્રવેશ મેળવવા પાત્ર બન્યો. તે સમયે ત્રીજું સેમેસ્ટર પૂર્ણ થવા આવ્યું હતું. અને તેના પરીક્ષાના ફોર્મ ભરાવાનું પણ ચાલુ થયું હતું. બીજા જ દિવસે ત્રીજા સેમેસ્ટરની પરીક્ષાનું ફોર્મ ભરી નાખ્યું....બેશક તે ફોર્મ વિશાલ જ ભરી આવ્યો હતો..
આમ મારું વહાણ ડૂબતા ડૂબતા બચી ગયું.HJR